સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડના સત્તાધીશોને મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડી છે.યાર્ડના આંકડા મુજબ, ડુંગળીના 1 લાખથી વધુ કટ્ટાની જંગી આવક નોંધાઈ હતી. ડુંગળીની આ વિપુલ માત્રાને લઈને ગોંડલ યાર્ડમાં જણસી ભરેલા આશરે 2 હજારથી વધુ વાહનોના થપ્પા લાગી ગયા હતા.
સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ યાર્ડમાં ઉમટી પડ્યા હતા, જેના પરિણામે યાર્ડની ક્ષમતા પૂરી થઈ ગઈ હતી. ડુંગળીની મબલખ આવકને સમાવવા માટે યાર્ડના સત્તાધીશોને નવી ખરીદ કરેલ જમીન પર ડુંગળીનો જથ્થો ઉતારવાની ફરજ પડી હતી.હરાજીમાં ડુંગળીના ભાવોની વાત કરીએ તો, 20 કિલોના ભાવ રૂપિયા 100 થી રૂપિયા 500 સુધીના બોલાયા હતા. ખેડૂતોને તેમના માલના યોગ્ય ભાવો મળે તે માટે યાર્ડ સતત કાર્યરત રહ્યું હતું.

જોકે, ડુંગળીની સતત અને મબલખ આવકને કારણે યાર્ડમાં જગ્યાનો અભાવ સર્જાયો હતો. આ સંજોગોમાં, યાર્ડમાં વધુ ભીડ અને અરાજકતા ન સર્જાય તે હેતુથી યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને આ નિર્ણયની નોંધ લેવા અને યાર્ડ દ્વારા ફરીથી આવક શરૂ કરવાની જાહેરાત ન થાય ત્યાં સુધી માલ ન લાવવા વિનંતી કરવામાં આવી છે.

