GONDAL : ઉતરાયણ લોહીયાળ બની, પતંગની હુંસાતુસી બે પરિવાર વચ્ચે ઝઘડો હત્યામાં પરિણમ્યો

0
18
meetarticle

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં ઉતરાયણનો પર્વ માતમમાં ફેરવાયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લેતા એક વ્યક્તિની હત્યા થઈ છે, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી પ્રમાણે ભગવતપરા ગેઇટ વાળી શેરીમાં એક જ સમાજના બે પરિવારો પોતપોતાની અગાસી પર પતંગનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન પતંગ કાપવા અથવા દોરીના પેચ બાબતે બંને પરિવારો વચ્ચે તકરાર થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો ઉગ્ર બન્યો અને પરિવારો નીચે ઉતરી આવ્યા હતા. આવેશમાં આવીને તીક્ષણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ભગવતપરાની શાંત શેરી લોહીથી ખરડાઈ ગઈ હતી.

આ હિંસક અથડામણમાં અનિલભાઈ પુંજાભાઇ લુણસીયા, કાંતિભાઈ મકવાણા, સાગરભાઈ મકવાણા અને સુનીલભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચારેયને તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, અનિલભાઈ લુણસીયાની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને રાજકોટ રિફર કરાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

એક વ્યક્તિના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા આખા શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવી, ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની અને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉત્સવના દિવસે થયેલી આ હત્યાએ સાબિત કર્યું છે કે ક્ષણિક આવેશ કેવી રીતે વર્ષો જૂના પાડોશી સંબંધો અને જીવનનો અંત લાવી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here