GUJARAT : વાહનચાલકો માટે ખુશીના સમાચાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિનસત્તાવાર રીતે શરૂ

0
80
meetarticle

ભરૂચ અને સુરત વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતા 8 લેન એક્સપ્રેસ-વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો હવે બિનસત્તાવાર રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ માર્ગ શરૂ થવાથી વાહનચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવવામાં આવેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ સરળતાથી જઈ શકશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે કુલ 1380 કિલોમીટરનો મહાકાય પ્રોજેક્ટ છે, જેમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે. ભરૂચ જિલ્લાના પૅકેજ-4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના વિરોધને કારણે કામ અટકી પડ્યું હતું. જોકે, હવે આ અવરોધો દૂર થતાં આ માર્ગનું કામ પૂર્ણ થયું છે અને તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

હવે ભરૂચથી સુરત જતા વાહનચાલકો સીધા જ એક્સપ્રેસ-વેનો ઉપયોગ કરીને અંકલેશ્વરના પુનગામ સુધી પહોંચી શકશે. ત્યાંથી, એક ખાસ ડાયવર્ઝન મારફતે તેઓ અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પરથી સુરત તરફ આગળ વધી શકશે. એ જ રીતે, સુરતથી ભરૂચ તરફ આવતા વાહનચાલકો પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકશે. આ એક્સપ્રેસ-વેનો અંકલેશ્વરથી સુરત સુધીનો બાકીનો ભાગ ડિસેમ્બર 2025 સુધીમાં શરૂ થવાની શક્યતા છે, જેના પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ભારે ટ્રાફિકજામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. વાહનચાલકોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે, જેના કારણે મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે. આ પ્રોજેક્ટ ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

રિપોર્ટર:  સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here