ગોવિંદા છૂટાછેડા લઈ રહ્યો હોવાની અફવા તેના મેનેજરે નકારી કાઢી છે. તેણે કહ્યું છે કે છ મહિના પહેલાં પણ આ અફવા ચાલી હતી અને ફરી કોઈએ તેને વાયરલ કરી છે.
છેલ્લા એક બે દિવસથી કેટલાક અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે ગોવિંદાની પત્નીએ મુંબઈના બાંદરાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ દાખલ કરી દીધો છે. સુનિતાએ ગોવિંદાના લગ્નબાહ્ય સંબંધો તથા ક્રૂરતા જેવાં કારણો દર્શાવી છૂટાછેડા માગ્યા હોવાનો દાવો આ અહેવાલોમાં કરાયો છે.
જોકે, ગોવિંદાના મેનેજર શશી સિંહાએ સમાચાર માધ્યમોને કહ્યું હતું કે આ દાવામાં કોઈ તથ્ય નથી. અગાઉ ગોવિંદા અને સુનિતા અલગ અલગ ઘરોમાં રહેતાં હોવાની વાત બહાર આવી હતી. ત્યારે સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદા રાજકારણમાં સક્રિય હોવાથી તેને બહારથી અનેક લોકો મળવા આવતા હોવાથી ગોવિંદાએ જ અન્ય બંગલામાં અલગ રહેવાનું શરુ કરી દીધું હતું.


