નર્મદા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને હરિયાળો વન વિસ્તાર વિકસાવવા જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ તિલકવાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પટાંગણમાં ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે હરિયાળા વનો વિકસાવી આવનારી ભાવી પેઢીના ભવિષ્ય માટે વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રથમ કૃષિમંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ દેશભરમાં વર્ષ ૧૯૫૦થી વન મહોત્સવ ઉજવણીનો પ્રારંભ કરી આપણને અમૂલ્ય ભેટ આપી હતી, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેઓના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ખૂબ મહત્વ આપ્યું અને આ ઉજવણીને લોક ઉત્સવમાં બદલી નાખી. જેના પરિણામે આજે ગુજરાતના મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વૃક્ષારોપણમાં દેશભરમાં મોખરે રહ્યું છે. આ ઉત્સવ કુદરત પ્રત્યેનો આદર ભાવ અને પ્રેમનું પ્રતિબિંબ દર્શાવે છે.
મહાનુભાવોના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ દરમિયાન “હરિયાળો નર્મદા” અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા સૌ મહાનુભાવોએ અપીલ કરી ઉપસ્થિત નાગરિકોએ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળની બહેનોને નર્સરી માટે રૂપિયા એક લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. વન વિભાગમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે નાગરિકોને વૃક્ષા રોપણ માટે વૃક્ષરથ દ્વારા રોપા વિતરણ કરી ગામમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા




