ભરૂચમાં જૈન સમાજે પવિત્ર તહેવાર સંવત્સરીની ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ મહાપર્વ નિમિત્તે જૈન ભાઈ-બહેનોએ એકબીજાને હૃદયપૂર્વક ‘મિચ્છામી દુક્કડમ’ કહીને વર્ષ દરમિયાન થયેલી ભૂલો અને દોષોની ક્ષમા-યાચના કરી હતી, અને પરસ્પર પ્રેમ અને મૈત્રીનો સંદેશ પાઠવ્યો હતો.
પર્યુષણ પર્વના આઠમા અને અંતિમ દિવસે, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો દ્વારા સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વહેલી સવારથી જ દેરાસરોમાં વિશેષ પૂજા અને આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક જૈન અનુયાયીઓએ આ દિવસે ઉપવાસ અને વ્રત રાખીને આઠ દિવસની આરાધનાને પરિપૂર્ણ કરી હતી.
સાયંકાળે, જૈન સમાજના લોકોએ સામૂહિક સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યું હતું, જેમાં વર્ષભરના જાણતા-અજાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું. આ પ્રતિક્રમણ દરમિયાન, ૨૦ થી ૪૦ મિનિટનું ધ્યાન કરીને અને ૧,૨૫૦ શ્લોકોનું શાંતિપૂર્ણ શ્રવણ કરીને ભૂલોને બાળીને ભસ્મ કરવાની અને હૃદયને શુદ્ધ કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે, ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો’ જેવા શુભ ભાવનાત્મક સૂત્રોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.
સંવત્સરીનો દિવસ એ માત્ર ક્ષમા માંગવાનો જ નહીં, પરંતુ ક્ષમા આપવાનો પણ દિવસ છે. આ તહેવારનું મૂળભૂત તત્વજ્ઞાન જ એ છે કે, કટુ વચનો, ખરાબ કર્મ કે કોઈ પણ પ્રકારના દોષ માટે માફી માગીને અને આપીને મન અને આત્માને નિર્મળ બનાવવા.
ગતરોજ, સંવત્સરીના પવિત્ર દિવસે, ભરૂચના જૈન ભાઈ-બહેનોએ એકબીજાને ભેટીને અને પગે પડીને ‘મિચ્છામી દુક્કડમ’ કહીને સમાજમાં શાંતિ, અહિંસા અને પરસ્પર સદ્ભાવનાનો સંદેશ ફેલાવ્યો હતો.


