આમોદમાં ભાદરવા સુદ દશમના શુભ દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ, આમોદના પ્રાચીન ગણપતિ મંદિરેથી વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો.
ડી.જે.ના તાલ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો, ટીમલી, રાસ અને ગરબા પર ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રાનું આમોદ નગરપાલિકા ખાતે પાલિકા સદસ્યો દ્વારા અને આમોદ પોલીસ સ્ટેશને પોલીસ જવાનો દ્વારા ફૂલહાર અને સલામી આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રીજી ભક્તો માટે ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાત દિવસના આતિથ્ય બાદ શ્રીજી ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને ‘આવતા વર્ષે વહેલા આવજો’ના નારા સાથે વિદાય આપી હતી. આમોદના મોટા તળાવ ખાતે તરાપા, તરવૈયા, લાઇટિંગ અને ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ૧ ડી.વાય.એસ.પી., ૫ પી.આઈ., ૯ પી.એસ.આઇ., ૭૦ એસ.આર.પી., ૨૦૦ પોલીસ જવાન, ૧૦૦ હોમગાર્ડ અને જી.આર.ડી. સહિતના બ્લેક કમાન્ડોના કાફલાની ચુસ્ત નિગરાની હેઠળ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલુ રહ્યું હતું.


