શ્રી ગુજર લેઉવા પાટીદાર સમાજ અંકલેશ્વર-ભરૂચ દ્વારા આયોજિત ૨૬મો સ્નેહ મિલન કાર્યક્રમ ભક્તિ અને એકતાના માહોલમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પાટીદાર આગેવાન અલ્પેશભાઈ કથરિયા, અભિનેત્રી ખુશીબેન, અને ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુનીબેન સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંમેલનમાં અંકલેશ્વર-ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી ૩૦૦૦થી વધુ સમાજજનોએ ઉમટી પડી સંગઠન શક્તિનો પરિચય આપ્યો હતો.

મુખ્ય મહેમાન અલ્પેશભાઈ કથરિયાએ યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવી સમાજનું ગૌરવ વધારવા આહવાન કર્યું હતું. તેમણે સમાજમાં જ લગ્ન સંબંધો બાંધવા અને વ્યસનોથી દૂર રહી એકતા જાળવવા પર ભાર મૂક્યો હતો. મંડળના પ્રમુખ મોહનભાઈ પટેલે આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે નર્મદા જિલ્લાના પાટીદાર સમાજનો પણ ભરૂચ મંડળમાં સમાવેશ કરવામાં આવશે. તેમણે વ્યસનમુક્તિ માટે બહેનોને આગળ આવવા અને સમાજ માટે તૈયાર કરાયેલા નવા હોલ માટે દાતાઓને ઉદાર હાથે દાન આપવા હાકલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન ધોરણ-૧ થી ૧૨ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વિશેષ એવોર્ડ્સ, ફેન્સી ડ્રેસ અને લકી ડ્રો જેવા આકર્ષણોએ ઉત્સાહ વધાર્યો હતો. સાગબારા વિસ્તારની જવાબદારી ડી.કે. પટેલ અને કન્વીનર તરીકે પ્રકાશભાઈ તથા પ્રદીપભાઈની નિમણૂક કરાઈ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રકાશભાઈ અને અંદાડા ટીમની કામગીરી સરાહનીય રહી હતી. નારાયણભાઈ અને ભરતભાઈના સુંદર સંચાલન સાથે સમાજજનોએ સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લઈ સ્નેહ મિલન કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
