અંકલેશ્વર નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના દૂષણને ડામવા માટે સપાટો બોલાવ્યો છે. ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાને મળેલી ગુપ્ત બાતમીના આધારે પાલિકાની ટીમે વોચ ગોઠવી સુરતથી આવતા એક ટેમ્પોને આંતરી તેમાંથી ૧૪૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો GIDC વિસ્તારની ‘અંજલિ ટ્રેડ્સ’ અને અન્ય એક ગોડાઉન માટે મંગાવવામાં આવ્યો હતો. પાલિકાએ આ મામલે કડક કાર્યવાહી કરી સમગ્ર જથ્થો જપ્ત કર્યો છે અને ઔદ્યોગિક વિસ્તાર હોવાથી GPCBને પણ અહેવાલ સોંપવાની તજવીજ હાથ ધરી છે.

પાલિકા દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અને ગંદકી કરનારા તત્વો પાસેથી અત્યાર સુધીમાં કુલ ₹૨.૨૫ લાખનો તોતિંગ દંડ વસૂલવામાં આવ્યો છે. સત્તાધીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કે વપરાશ કરનારા સામે આગામી દિવસોમાં હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે.
