GUJARAT : અંકલેશ્વર GIDCમાં ‘ખોડલધામ’ જેવો માહોલ: મેઘાણી પરિવારની ભવ્ય રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, 1001 દીવડાની આરતીથી આકાશ ઝળહળ્યું

0
17
meetarticle

આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય પર્વ ‘ખોડિયાર જયંતિ’ નિમિત્તે અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મેઘાણી પરિવાર તેમજ વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ભવ્ય રથયાત્રામાં હજારો ભક્તો “જય ખોડલ”ના નાદ સાથે જોડાયા હતા. GIDCના રાજમાર્ગો પર નીકળેલી આ રથયાત્રામાં ડીજેના તાલે માઈભક્તોએ ઝૂમીને માતાજીની આરાધના કરી હતી, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વસાહત જાણે ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી.


રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ઠેર-ઠેર ઠંડા પીણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો અને શોપિંગ સેન્ટરના ભક્તોએ ઉમળકાભેર રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં અંકલેશ્વરના પરમ પૂજ્ય ગંગાદાસ બાપુએ ખાસ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. રથયાત્રા દરમિયાન મંગલમ પરિવારના ભરતભાઈ દ્વારા ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ઉજવણીનું મુખ્ય આકર્ષણ રથયાત્રાના સમાપન સમયે યોજાયેલી 1001 દીવડાની મહાઆરતી રહી હતી. આ દિવ્ય આરતીમાં આયન ભગતે વિશેષ હાજરી આપી હતી અને ગગનભેદી જયઘોષ સાથે વાતાવરણને શ્રદ્ધામય બનાવી દીધું હતું. દરેક સમાજના લોકોએ જે રીતે એકતા અને ઉત્સાહ સાથે આ રથયાત્રામાં ભાગ લીધો, તેણે અંકલેશ્વરમાં ધાર્મિક ભાઈચારા અને માં ખોડલ પ્રત્યેની અસીમ શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here