અમદાવાદ શહેરની ભાગોળે આવેલા બિલાસિયા ગામના પાદરમાં તળાવ પાસેથી ગત 17 ફેબ્રુઆરીએ મળી આવેલી રિક્ષાચાલકની લાશના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે(LCB) ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને બે મજૂરની ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય એક સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવત અને બોલાચાલીમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

ચહેરા અને માથાના ભાગે ઘા ઝીંકી હત્યા કરાઈ હતી
કાનભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિલાસિયા ગામના સીમ વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીએ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મૃતકના ચહેરા અને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી. આ મામલે કાનભા પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુમ થયેલી રિક્ષાથી પોલીસને કડી મળી
સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય LCBની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને ઘટનાસ્થળેથી મૃતકની રિક્ષા ગાયબ હોવાનું જણાયું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ગાંધીનગર સ્થિત ‘ત્રિનેત્ર’ કંટ્રોલ રૂમની મદદ લીધી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને શંકાસ્પદ રિક્ષાની અવરજવરની કડી મળી હતી.
રાજસ્થાનનો શખસ બિલાસિયાથી જ ઝડપાયો
તપાસ દરમિયાન મળેલી સચોટ માહિતીના આધારે LCBની ટીમે 22 વર્ષીય ચંદુલાલ રંગાલાલ પટેલને ઝડપી લીધો હતો. ચંદુલાલ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો વતની છે અને હાલમાં બિલાસિયા ગામે એક બાંધકામની સાઇટ પર મજૂરી કામ કરતો હતો.
ઝઘડો થતા હત્યાને અંજામ આપ્યો
પોલીસ પૂછપરછમાં આરોપી ચંદુલાલે કબૂલાત કરી હતી કે, તે અને મૃતક એકબીજાને ઓળખતા હતા. કોઈ બાબતે તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જે હિંસક વળાંક લેતા ચંદુલાલ અને તેના અન્ય બે મિત્રોએ મળીને રિક્ષાચાલક પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ થવાને કારણે રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપીઓ રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે એક ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.

