ગુજરાતમાં ધોરણ-૧૦ અને ૧૨ ની શરૂ થયેલ પરીક્ષામાં ઠેર-ઠેર ભારે ટ્રાફીકમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અટવાયા. એક તરફ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ખોદકામના લીધે પરીક્ષા કેન્દ્રો નજીક અસહ્ય ટ્રાફીક જામના દૃશ્યો અંગે પોલીસતંત્ર અને વહીવટીતંત્ર સત્વરે પરીક્ષાર્થીઓ માટે સરળતા ઉભી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નરશ્રી, રાજ્ય પોલીસ વડા અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સમક્ષ લેખીત માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જેવા મેગા સીટીમાં વિકાસના નામે છેલ્લા ૨૦ મહિનાથી ઠેર-ઠેર ખોદકામ ચાલી રહ્યું છે. શહેરના વિકાસ કામો થાય તેમાં કોઈ વાંધો હોય શકે નહી પણ, આયોજનના અભાવે આડેધડ થતા ખોદકામોથી શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ધોરણ-૧૦ અને ૧૨ પરીક્ષા કેન્દ્રો આસપાસ સતત ચાલતા કામને કારણે પારાવાર અવાજો, ધૂળ થી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે મહત્વની પરીક્ષામાં અડચણો ઉભી થઈ રહી છે ત્યારે, સ્થાનિક તંત્રએ વિશેષ કાળજી લઈને પરીક્ષા સમયે ઘોઘાટ-અવાજ ન થાયે તેવું આયોજન આવશ્યક છે.

અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલ સી.એન. વિદ્યાલય પાસે જે રીતે ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા ત્યારની સ્થિતિ અતિ કફોડી અને માનસિક ત્રાસદાયક થઈ હતી. આ માટે તંત્રની જવાબદારી સીધી બને છે કે અમદાવાદ સહિત રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો આસપાસ ટ્રાફીકની સરળતા સુનિશ્ચિત કરવામાં આવે. પરીક્ષા કેન્દ્રો આસપાસની અડચણો સ્થાનિક તંત્ર તાત્કાલીક દુર કરે જેથી કરીને ગુજરાતના ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે અને શાંતિથી પરીક્ષા આપી શકે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા

