આમોદ નગરમાં ભાજપ શાસિત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં, આમોદ નગરમાં સફાઈ વ્યવસ્થા શૂન્ય સમાન સાબિત થઈ રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં ગંદકીનું સામ્રાજ્ય અને ખુલ્લી ગટરોને કારણે જનતાનું આરોગ્ય જોખમાયું છે, જેને પગલે આગામી સમયમાં શાસક પક્ષને મતો લેવા જવું ભારે પડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. નગરના વોર્ડ નંબર 6 ની સ્થિતિ અત્યંત દયનીય છે. અહીં ઠેર-ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે. નાના બાળકો અને વડીલોને સારવાર માટે ભરૂચ સુધી દોડવું પડી રહ્યું છે. સ્થાનિક નગરપાલિકા સભ્ય કમલેશ સોલંકી દ્વારા આ બાબતે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. આક્ષેપ થઈ રહ્યા છે કે મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ માત્ર ફોટોસેશન અને દેખાવ પૂરતી કામગીરીમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિક પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા છે.

આમોદમાં હાલ એક શિક્ષિત નારી સબ પે ભારી તે વિષય પણ ભારે ચર્ચામાં છે, જે નગરપાલિકાના વહીવટ સામે આંગળી ચીંધે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચનો ભૂલી ગયા હોય તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 3 થી 4 દિવસમાં સફાઈ અને ગટરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો નગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે. હવે જોવું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી જનતાનો રોષ જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

