GUJARAT : કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત

0
1
meetarticle

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના વડવાલા અને ધાણેટી ગામની સીમમાં ચાલી રહેલા વિદેશી દારૂના મસમોટા કટિંગ પર ત્રાટકીને પોલીસે કુલ રૂ. 5.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડાએ સરહદી જિલ્લામાં ચાલતા દારૂના કાળા કારોબારના સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 

કટિંગ સમયે જ ત્રાટકી પોલીસ

ચોક્કસ બાતમીના આધારે SMC ની ટીમે વડવાલા ગામના સર્વે નંબર 39 માં રેડ કરી હતી. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. આકસ્મિક દરોડાને કારણે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 56,088 બોટલો કબજે કરી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. 4,00,85,270 છે. 

6 વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ

દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા કુલ 6 મોટા વાહનો પણ જપ્ત કરાયા છે. જેમાં 2 ટાટા ટ્રક, 3 મિની ટ્રક અને 1 પીકઅપ વાહનનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત રૂ. 1.08 કરોડથી વધુ થાય છે. દારૂ, વાહનો અને મોબાઈલ મળીને કુલ રૂ. 5,09,06,270 નો મુદ્દામાલ પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

2 ની ધરપકડ અને 23 લિસ્ટેડ બુટલેગરો વોન્ટેડ

પોલીસે સ્થળ પરથી જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરમકામની ધરપકડ કરી છે. જોકે, આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે, પોલીસે 23 જેટલા નામચીન બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં કચ્છના લિસ્ટેડ બુટલેગરો નવઘણ રાજગોર, અનોપસિંહ રાઠોડ, દેવેન્દ્ર કાપડી અને હરિયાણાના સપ્લાયર મુસ્તફા ઉર્ફે મહાકાલ પઠાણનો સમાવેશ થાય છે.

સ્થાનિક પોલીસ સામે સવાલો

ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સીધી કાર્યવાહીએ પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આટલો મોટો જથ્થો સ્થાનિક પોલીસની નજર બહાર કેવી રીતે ઉતરી શકે? આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંગઠિત ગુનાખોરી (Organized Crime) સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here