GUJARAT : ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે પૈસાની લેતીદેતીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો પ્રયાસ

0
14
meetarticle

પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગઈકાલે રાત્રે ગ-૨ સર્કલ પાસે મકાન વેચાણના નાણાંની લેતીદેતી મામલે જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક અથડામણમાં એક યુવકને પેટના ભાગે ગોળી વાગતા તેને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેક્ટર-૨૭માં રહેતા અને સર્વોદય રિયલ એસ્ટેટ નામે જમીન દલાલીનું કામ કરતા અતુલભાઈ ફકીરચંદ દરજીએ બે વર્ષ પહેલાં સેક્ટર-૩ડીમાં આવેલું એક મકાન જિતેન્દ્ર ઉર્ફે જિતુ ગણપતભાઈ રાઠોડ રહે. ઉનાવાને ૨૦ લાખ રૃપિયા રોકડામાં વેચ્યું હતું. જોકે, આ મકાન વિવાદિત હોવાનું જણાવી જિતુએ પોતાના રૃપિયા પરત માંગ્યા હતા. જોકે જિતુ અને તેના મિત્ર વાવોલ ખાતે રહેતા મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ ફોન પર અતુલભાઈ પાસે ૨૦ લાખના બદલે ૫૦ લાખ રૃપિયાની માંગણી કરી ધમકી આપી હતી. ત્યારે ગઈકાલે આ વિવાદના સમાધાન માટે જિતુ રાઠોડ, મહેન્દ્રસિંહ અને મિતેશ આત્મારામ દેસાઈ રહે. વાવોલ અલગ-અલગ ત્રણ સ્કોપયો ગાડીઓ લઈને અતુલભાઈની ઓફિસ પાસે પહોંચ્યા હતા. જેનાં પગલે અતુલભાઈએ મદદ માટે તેમના મિત્ર વાવોલ ખાતે રહેતા પ્રદીપસિંહ જાડેજા અને રાહુલ ભરવાડને બોલાવ્યા હતા. જેવા પ્રદીપસિંહ ગાડીમાંથી બહાર નીકળ્યા, કે તરત જ મિતેશ દેસાઈએ પોતાની પાસે રહેલી પિસ્તોલથી તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક ગોળી પ્રદીપસિંહના પેટમાં વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડયા હતા. આ હુમલા બાદ આ શખ્સો અતુલભાઈને છરી બતાવી જબરદસ્તી સ્કોપયો ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરી લીધું હતું અને ચાલુ ગાડીમાં તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ગોળીબારથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓને પકડવા માટે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી અને આખરે ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની સામે આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here