GUJARAT : ગાંધીનગરમાં કોંગો ફિવરની એન્ટ્રી, એક કેસ

0
35
meetarticle

ગુજરાતમાં પાણીજન્ય રોગોના વધતા કેસ વચ્ચે હવે પ્રાણીઓથી માણસમાં ફેલાતા કોંગો હેમરેજિક ફીવરનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના પિંડારડા ગામમાં રહેતા ૨૬ વર્ષીય પશુપાલક યુવાનને આ જીવલેણ વાયરસનો ચેપ લાગ્યો હોવાનું પુષ્ટિ થયું છે. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય અને પશુપાલન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા મજબૂર કર્યા છે, જ્યારે સ્થાનિક વસ્તીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પુણેની લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટમાં યુવાનને પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે વ્યાપક તપાસ અને નિવારણના પગલાં શરૃ કરાયા છે.ગાંધીનગર તાલુકાના પિંડારડા ગામમાં રહેતા આ યુવાન પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર તાવ સહિત અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તબીબોએ તેમના સેમ્પલ લઈને પુણેની રાષ્ટ્રીય લેબોરેટરીમાં મોકલ્યા હતા, જ્યાં પરીક્ષણમાં કોંગો હેમરેજિક ફીવર પોઝિટિવ આવ્યો હતો. આ વાયરસ મુખ્યત્વે પશુઓ પર રહેતી ઈતરડી દ્વારા ફેલાય છે અને પશુપાલકો માટે તે વધુ જોખમી છે. યુવાનના તબેલામાં રહેલા પશુઓ સાથેના સતત સંપર્કને કારણે તેમને ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવે છે. આ કેસ જિલ્લામાં પ્રથમ હોવાથી આરોગ્ય વિભાગે તેને ગંભીરતાથી લીધો છે અને તાત્કાલિક તપાસ શરૃ કરી છે. ગામમાં રહેતા અન્ય પશુપાલકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પશુઓના સંપર્કમાં આવતા પહેલા સાવધાની રાખે. આ બીમારીનું મોતનું પ્રમાણ ૧૦થી ૪૦ ટકા જેટલું હોઈ શકે છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.

કેસની પુષ્ટિ થતાં જ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રે તાલુકા અને જિલ્લા કક્ષાની ટીમોને કાર્યરત કરી છે. યુવાનના ઘર અને તબેલાનું વ્યાપક તપાસ કરવામાં આવ્યું છે. ગામના ૨૩૭ ઘરોમાં સર્વે કરીને ૧૦૩૪ વસ્તીનું સર્વેલન્સ કરાયું છે. તેમજ ગામમાં બે મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે જે સતત મોનિટરિંગ કરી રહી છે. પશુપાલન વિભાગે પણ પિંડારડા ગામ અને યુવાનના તબેલામાં તપાસ કરી છે. અંદાજે ૬૦૦ ગાયો અને અન્ય પશુઓને દવા આપવામાં આવી છે, તેમજ તબેલા,ઉકરડા અને આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો છે. પશુઓ પર રહેલી ઈતરડી અને પશુઓના સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી વાયરસના ફેલાવાના સ્ત્રોતની ઓળખ કરી શકાય. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ બીમારી પશુઓથી માણસમાં અને માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે, તેથી સ્થાનિક વસ્તીને જાગૃત કરવા અભિયાન શરૃ કરાયું છે.

 દર્દીના સંપર્કમાં આવેલા ૩૧ વ્યક્તિઓ ઓબ્ઝર્વેશનમાં,૨૩૭ ઘરનું સર્વેલન્સ

ગાંધીનગર જિલ્લામાં કોંગો ફિવરનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે જેને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પ્રાણીમાંથી માણસમાં અને માણસમાંથી રોગચાળા સ્વરૃપે ફેલાતો આ કોંગો ફિવરના કેસ વધે નહીં તે માટે આરોગ્ય તંત્રએ સર્વેલન્સ શરૃ કરી દીધું છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૩૧ વ્યક્તિઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તો કુલ ૨૩૭ ઘરોમાં સર્વેલન્સ સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. ટીમોને ગામમાં તહેનાત કરવામાં આવી છે અને સતત સર્વે કરવાની સુચના પણ આપવામાં આવી છે.

રાજસ્થાનથી નવી ગાયો લાવ્યા બાદ કોંગો ફિવરઃપશુ અને ઇતરડીના સેમ્પલ લેવાયા

પ્રાણીમાંથી માણસમાં થતા આ કોંગો ફિવરના કેસમાં આરોગ્યની સાથે પશુપાલન તંત્ર પણ કામે લાગ્યું છે. જિલ્લા પશુપાલન તંત્ર દ્વારા પિંડારડા ગામમાં ધામા નાંખ્યા છે આ ઉપરાંત આ પોઝિટિવ દર્દી કે જેને નવો તબેલો બનાવ્યો છે અને રાજસ્થાનથી નવી ગાયો થોડા દિવસ પહેલા જ લાવવામાં આવી છે ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. અહીંથી કુલ પાંચ ગાયના બ્લડ સેમ્પલ તથા એક ઇતરડીનું પણ સેમ્પલ લઇને તેને પરિક્ષણ માટે પુના મોકલવામાં આવ્યું છે. આ માટે એક્સપર્ટની ટીમ પણ અમદાવાદથી તેડાવવામાં આવી છે. કુલ ૬૦૦થી વધુ ગાય સહિતના પશુઓને દવા આપવામાં આવી છે તો ઉકરડા-તબેલા સહિતના વિસ્તારમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here