અંગ્રેજી કેલેન્ડર મૂજબ 24 કલાક પૂરા થાય એટલે દિવસ પૂરો થાય અને રાત્રિના 12 વાગ્યે દિવસ બદલે છે પરંતુ, ભારતીય પુરાતન શાસ્ત્રો સૂર્ય-ચંદ્રની સાપેક્ષ ગતિ આધારે વધુ ચોક્સાઈથી તિથિ નક્કી કરે છે. દિવાળી સહિતના તહેવારો આ તિથિ મૂજબ જ સદીઓથી ઉજવાતા હોવાથી આ વર્ષે દિવાળી પછી પણ ધોકો (પડતર દિવસ) અને એક દિવસમાં બે-બે તિથિ ભેગી થાય છે.

ધોકાના કારણ અંગે શાસ્ત્રીજી પંડયાએ જણાવ્યું કે તિથિ એ સૂર્ય અને ચંદ્રની સાપેક્ષ ગતિ પર આધારિત શાસ્ત્રીય માપ છે, દરેક તિથિનો સમયગાળો 19થી માંડીને 26 કલાક સુધીનો હોય છે અને તેનું કારણ સૂર્ય-ચંદ્રની ગતિમાં પ્રાકૃતિક તફાવત છે. જ્યારે ચંદ્ર સૂર્યથી 12 ડિગ્રીનું અંતર કાપે ત્યારે એક તિથિ પૂર્ણ થાય અને પૃથ્વી અને ચંદ્રની ગતિ સ્થિર નહીં હોવાથી આ અંતર કાપવાનો સમય અલગ હોય છે. વૃધ્ધિ તિથિ કે ક્ષય તિથિ તથા એક દિવસમાં બે તિથિ માટે આ કારણ છે. દિવાળી પૂર્વેના બે દિવસ પછી આવતા તહેવારોની તિથિ ગણના તારીખ સમય આ મૂજબ છે. (1) તા. 14ના આઠમ મંગળવારે સવારે 11-11 સુધી ચોપડા ખરીદવા,નોંધવા ઉત્તમ દિવસ અને આ દિવસે આઠમ-નોમ ભેગા થશે.સવારે 11-55 વાગ્યાથી પૂષ્ય નક્ષત્ર શરૂ થશે. (2) તા. 17ના શુક્રવારે રમા એકાદશી જ્યારથી ઘરે દિવડાં,રંગોળી થાય છે. આ દિવસે વાઘબારસ કે ગોવત્સ દ્વાદશી પણ રહેશે. (3) શનિવારે તા. 18ના બપોરે 12-20 વાગ્યાથી ધનતેરસ (તે પહેલા બારસ) શરૂ થશે અર્થાત્ ત્યારપછી ધન્વંતરી પૂજન, દીપદાન, શ્રીયંત્ર પૂજા વગેરે થઈ શકશે. (4) તા. 20ના બપોરે 3-46 સુધી કાળી ચૌદશ હોવાથી તે સમયમાં હનુમાનજી પૂજન,કાળભૈરવ પૂજા, નૈવેદ વગેરે થશે. અને આ જ દિવસે બપોરે 3-46 થી અમાસ અર્થાત્ દિવાળી શરૂ થશે અને તે દિવસે રાત્રિના 3-39 સુધી શુભ મુહુર્તોમાં ચોપડા પૂજન, શારદા અને લક્ષ્મી પૂજા થશે. (5) તા. 21ના બપોર સુધી અમાસ રહેશે તેથી સૂર્યોદય વખતની તિથિ મૂજબ આ દિવસ પડતર અર્થાત્ ધોકાનો દિવસ રહેશે. (6) તા. 22ના નૂતન વર્ષ વિ.સં. 2082નો પ્રથમ સૂર્યોદય થશે અને આ સાથે જ ગોવર્ધન પૂજા, અન્નકૂટ પણ આ જ દિવસે થશે. (7) નૂતન વર્ષની રાતથી તા. 23ની રાત્રિના 10-47 વાગ્યા સુધી બીજ તિથિ હોવાથી આ દિવસે ભાઈબીજ, યમદ્વિતીયાની ઉજવણી થશે. (8) તા. 26ના રવિવારે લાભપાંચમ, શ્રીપંચમી ઉજવાશે.

