GUJARAT : છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને મળી ધમકી!

0
13
meetarticle

છોટા ઉદેપુરના અછાલા ગામેથી પસાર થતી નદીમાં છેલ્લા કેટલાય સમયથી બેરોકટોક ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનનને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ દ્વારા રાત-દિવસ ટ્રેક્ટરો મારફતે નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. આ બાબતે અવાજ ઉઠાવનારા ગ્રામજનોને રેતી માફિયાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

ખેતરો અને પાણીની લાઈનોને મોટું નુકસાન

અછાલાના સ્થાનિક રહેવાસી દિનેશ નાયકના જણાવ્યાનુસાર, રેતી ભરેલા ટ્રેક્ટરો ગ્રામજનોના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, પૂરપાટ ઝડપે દોડતા આ વાહનોને કારણે ગામની પીવાના પાણીની લાઈનો પણ વારંવાર તૂટી જાય છે. જ્યારે આ પ્રવૃત્તિનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે ટ્રેક્ટર ચાલકોએ દિનેશભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, ‘જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું.’

ખાણ-ખનિજ વિભાગની મિલીભગત હોવાનો આક્ષેપ

અછાલા ગામના લોકોમાં એવી ચર્ચા છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત ચાલી રહી છે. સ્થાનિકોના દાવા મુજબ, ટ્રેક્ટર ચાલકો જાહેરમાં એવી વાતો કરે છે કે, ‘અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ.’ આ પ્રકારના નિવેદનોથી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ નગરપાલિકાના સત્તાધારી પક્ષ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને ગેરકાયદે રેતી ખનન અટકાવવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છતાં અછાલા ગામમાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ગ્રામજનો હવે એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું જવાબદાર અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે પછી રેતી માફિયાઓ સામે કડક પગલાં લેવામાં આવશે?

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here