જામકંડોરણાથી કાલાવડ તરફ જવાના રસ્તા પર ગઇકાલે રાત્રે કટિંગ વખતે એલસીબીએ દરોડો પાડી રૂા. ૪૬ લાખના અંગ્રેજી દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતાં. જો કે દારૂ મંગાવનાર બન્ને મુખ્ય સૂત્રધારો હાથમાં આવ્યા ન હતાં.

એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૩૭૨૦ બોટલ કબજે કરી હતી. સ્થળ પરથી જૂનાગઢના પંચેશ્વરમાં રહેતા સામત ભીમાભાઈ કરમટા, હીરાભાઈ જીવાભાઈ મોરી, રાજુ ડાયાભાઈ સિંઘલ અને ધોરાજીના વેગડી ગામે રહેતા કારૂ ધીરુભાઈ ગોહેલને ઝડપી લીધા હતાં.
સ્થળ પરથી બે ક્રેટા કાર, એક વેન્યુ અને એક કિયા કાર કબજે કરી હતી. દારૂ, વાહનો, મોબાઇલ સહિત કુલ રૂા. ૮૬.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં દારૂ મંગાવનાર તરીકે ધોરાજીના વેગડી ગામના રાજુ પોલાભાઇ કોડીયાતર અને ભાવેશ ભોજાભાઈ કોડીયાતરના નામ ખૂલ્યા હતાં.
એલસીબીએ આ બંનેને વોન્ટેડ દર્શાવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ સ્થળ પરથી મળેલી કારમાં દારૂનો જથ્થો ભરવા આવ્યા હતાં. દારૂનો જથ્થો કયાથી મંગાવાયો તે બંને સૂત્રધારો ઝડપાયા પછી બહાર આવશે.

