જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગલોદર ધાર વિસ્તારમાં ભેળસેળિયા ડીઝલનું વેચાણ કરતા મોટા નેટવર્કનો સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે પર્દાફાશ કર્યો છે. પીએસઆઈ એસ.વી. ગલચરની ટીમે સૂર્યા વંદના એન્ટરપ્રાઈઝ પર દરોડો પાડી 1700 લિટર ભેળસેળિયું ડીઝલ, વાહનો અને મશીનરી સહિત કુલ ₹13,69,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરાયો છે.

SMCની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી ડિસ્પેન્સર મશીન, સ્ટોરેજ ટાંકીઓ અને ઇલેક્ટ્રિક મોટર દ્વારા ગેરકાયદેસર રીતે ઇંધણનું વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે ₹1.22 લાખની કિંમતનું 1700 લિટર ભેળસેળિયું ડીઝલ, ₹10.25 લાખની કિંમતના 2 વાહનો, રોકડ રકમ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં દિલીપસિંહ સિંધવ, કિશોર બાવજી, થારણ ભાલગરિયા, પિયુ જાદવ અને પ્રશાંત કાઠીનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય સંચાલક વિક્રમ ભુરાણી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. માળિયા હાટીના પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), આવશ્યક ચીજવસ્તુ ધારો અને એક્સપ્લોઝિવ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
