દિહોર પંથક સાથે એસ.ટી. તંત્રએ ઓરમાયું વર્તન કરી એક પછી એક ૧૦ જેટલી બસ બંધ કરી દીધી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિહોરની નજીક ટીમાણા, રોયલ, ટાણા, વરલ જેવા મોટા ગામો આવેલા છે. તેમ છતાં દિહોરને મળતી એસ.ટી. બસમાંથી ૧૦ જેટલી બસને ખરાબ રસ્તા અને અન્ય કારણો આગળ ધરી બંધ કરી દેવામાં આવી છે. મહુવા-બરવાળા જેવી ટ્રાફિક ધરાવતી એસ.ટી. બસને ઘણાં લાંબા સમયથી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત તળાજા-ભાવનગર વાયા ટીમાણા, દિહોર, ટાણા સિહોર, તળાજા-રાજકોટ વાયા બેલા, બોરલા, સમઢિયાળા, દિહોર, તળાજા-ભાવનગર વાયા ટીમાણા, ભદ્રાવળ, દિહોર, ટાણા, સિહોર, બરવાળાથી રાતોલ વાયા દિહોર, ટીમાણા, તળાજા, મહુવા, રાતોલથી મહુવા વાયા તળાજા, ટીમાણા, દિહોર, સિહોર, પાલિતાણાથી ઘોઘા વાયા શેત્રુંજી ડેમ, પીંગળી, દિહોર, તણસા, ભાવનગરથી તળાજા વાયા વાળુકડ, ખોખરા, ભારોલ, દિહોર, ટીમાણા રૂટની બંધ બંધ છે. આ તમામ બસ સવારે જે રૂટ પર જતી એ જ રૂટ પર સાંજે પરત આવતી હતી. હાલ રૂટ બંધ હોવાના કારણે તળાજા, મહુવા, પાલિતાણા, સિહોર, ભાવનગર, બરવાળા, વલ્લભીપુર જવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે બંધ કરાયેલી એસ.ટી. બસોને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

