યાત્રાધામ દ્વારકા નજીક આવેલા જયોતિર્લિંગ નાગેશ્વર મંદિર ટ્રસ્ટને દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા આકરી નોટીસ ફટકારી અલગ અલગ છ મુદ્દે પૂર્તતા કરવા તાકિદ કરી છે.

દ્વારકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુદ્દાવાર માગવામાં આવેલી વિગતોમાં નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓની ભારે ભીડભાડ રહેતી હોવાથી સુરક્ષા મુદ્દો ટાંકીને મંદિરમાં અંદર ચલાવવામાં આવતી કોમર્શીયલ દુકાનો અંગે પરમીશન લીધી હોય તો તેના આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. બીજા મુદ્દામાં રેવન્યુ રેકર્ડ અનુસાર સરકારી ખરાબામાં નાગેશ્વર મંદીર આવેલું હોય, તે જમીનની માલીકી ટ્રસ્ટની હોય તો તેના આધાર રજૂ કરવા તેમજ મંદિર બનાવવાની પરમીશનના આધારો, સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ તેમજ મંદીરની બાજુમાં વસવાટ માટે બનાવેલા ભવનની માલીકી તથા પરમીશનના આધારો રજૂ કરવા જણાવાયું છે. ત્રીજા મુદ્દામાં મંદિરની બાજુમાં બનાવેલા શૌચાલયની વિગતો માગવામાં આવી છે. મુદ્દા નં.૪માં નાગેશ્વર ગામે તળાવની જમીન પર શનિદવે મંદિર કોના દ્વારા અને કયારે બનાવેલુ છે અને મંદીર બનાવવાના પરમિશનના આધાર પુરાવા, સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ સાથે રજૂ કરવા જણાવાયું છે. મુદ્દા નં.પમાં મંદિરની આગળની બાજુ કોર્મશીયલ દુકાનોને કારણે ટ્રાફીક તથા વાહનોના પાર્કીંગની સમસ્યાઓ ઊભી થતી હોવાથી સરકારી જમીન પર ઊભી કરાયેલ દુકાનો ટ્રસ્ટની માલીકીની હોય તો તેના આધાર પૂરાવા રજૂ કરવા જણાવાયું છે. મુદ્દા નં.૬માં મંદિરની બાજુમાં રેસ્ટોરન્ટ બનાવેલુ છે, તેના માલીકીના આધાર પુરાવા તેમજ રેસ્ટોરન્ટ લેઆઉટ પરવાનગી, બાંધકામ પરમીશન, રજા ચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. પ્રમાણપત્ર તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી વિગેરે રજૂ કરવા જણાવાયું છે. તમામ છ મુદ્દાઓની તથ્યતા તપાસવા આગામી તા.૩-૧ર-ર૦રપના સવારે ૧૧ કલાકે મુદત રાખવામાં આવી છે.

