GUJARAT : નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ – યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન

0
9
meetarticle

નડિયાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આવેલા એ.પી.એમ.સી. સંચાલિત સંતરામ શાકભાજી સબ માર્કેટ યાર્ડમાં શનિવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં શાકભાજીના વેપારીઓની દુકાનોમાં રાખેલો જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડ, પોલીસ કાફલો અને માર્કેટ યાર્ડના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

નડિયાદ શહેરની મધ્યમાં આવેલા સંતરામ શાકભાજી માર્કેટયાર્ડમાં લાગેલી આગને કારણે વેપારી આલમમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વલ્લીભાઈ ગફુરભાઈ બલોલ, મોહસીન યાકુબભાઈ ચણી, રિઝવાન રજ્જાક અલાદ, સલીમભાઈ કયુમભાઈ અલાદ, ઇબ્રાહિમભાઈ સુલેમાનભાઈ પૂજાના અને મહેબુબભાઈ ઈશ્માઈલભાઈ કાપડિયાની દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. અચાનક લાગેલી આ આગમાં શાકભાજીનો મોટો જથ્થો તેમજ દુકાનનું અન્ય ફનચર બળી ગયું હતું. માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ ગતિવિધિઓ તેજ હોય છે, ત્યારે આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને અન્ય વેપારીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા. નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જ લાશ્કરોની ટીમ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં દુકાનોમાં રહેલો માલ બળી ગયો હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરી આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. શોર્ટ સકટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here