નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતી એક કાર આગળ જતી ટ્રક પાછળ ઘૂસી જતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે કારમાં સવાર છોટાઉદેપુર લગ્નમાંથી પરત જતા પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

રવિવારે સવારે એક પરિવાર છોટાઉદેપુરથી લગ્નમાંથી કારમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન નડિયાદ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી તેમની કાર આગળ જતી એક ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બાદમાં કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી હતી. જોકે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ કારમાંથી બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. આગ લાગતા એક્સપ્રેસ હાઇવે પર વડોદરા-અમદાવાદ લેન પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ આગના બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી.

