ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના તટ પર આવેલો કનુ મામાનો આશ્રમ છેલ્લા અઢી દાયકાથી સેવા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યો છે. મૂળ જંબુસરના વાવલી ગામના ૭૫ વર્ષીય કનુભાઈ આશાભાઈ પટેલ (કનુ મામા) છેલ્લા ૨૫ વર્ષથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર નર્મદા પરિક્રમાવાસીઓ અને અબોલ પક્ષીઓની સેવા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા સાથે અહીં દરરોજ હજારો પક્ષીઓના કલરવ વચ્ચે જીવદયાનો અનોખો સંગમ જોવા મળે છે.

કનુ મામાના આશ્રમમાં આવતા પરિક્રમાવાસીઓને તેમની પસંદગી મુજબનું શુદ્ધ ભોજન અને આશ્રય પૂરો પાડવામાં આવે છે. માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ પક્ષીઓ માટે પણ મામાનો પ્રેમ અજોડ છે. દરરોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન આશરે ૮૦૦ થી ૧૦૦૦ જેટલા કબૂતર, મોર અને કાગડાઓ અહીં ચણ માટે ઉતરી આવે છે. પક્ષીઓને નિયમિતપણે ઘઉં, જુવાર, બાજરી અને ફરસાણ જેવી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. ૭૫ વર્ષની જૈફ વયે પણ કનુ મામા જે ઉત્સાહથી આ સેવાકાર્ય કરી રહ્યા છે, તે જોઈને મુલાકાતીઓ દંગ રહી જાય છે.

