GUJARAT : નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગાણ થવાની શક્યતા

0
8
meetarticle

ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે, તેની કાપણી ચાલી રહી છે. તેવામાં છોટાઉદેપુરના નસવાડીમાં સીમલ ઘોડા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય લાઈનમાં ગાબડું પડ્યું છે. એક તરફ પાણીનો પ્રચંડ પ્રવાહ આવી રહ્યો છે, તેમાં મુખ્ય કેનાલમાં 5 થી 7 ફૂટ જેટલું ભંગાણ જોવા મળ્યું છે. જો સમયસર તેમાં રિપેરિંગ નહીં કરવામાં આવે તો ગાબડું વધી કેનાલ તૂટી જશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જો કેનાલ તૂટશે તો આસપાસના વિસ્તારોમાં ઉભેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. 

ગાબડું મોટું થઈ કેનાલ તૂટશે તેવા પૂરેપૂરા સંકેત

કેનાલ આસપાસના વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો આરોપ છે કે ધ્યાને આવતા જ ગાબડું પડ્યાની ફરિયાદ તંત્રને કરી દેવામાં આવી છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સામે આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેનાલમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને ગાબડું મોટું થઈ કેનાલ તૂટશે તેવા પૂરેપૂરા સંકેત છે, તેવામાં જો તંત્ર યોગ્ય સમયે તેમાં  રિપેરિંગ કરવાની તસ્દી નહીં લે તો અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ છે.

 કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત

ગત 13 ફેબ્રુઆરીના રોજ અમરેલીના બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ પડ્યું હતું, બગસરાના ખારી જવાના પુત્રેશ્વર મહાદેવ મંદિરના રોડ પર હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો, જેથી ખેડૂતો સિંચાઇથી વંચિત રહ્યા હતા. 10 ફેબ્રુઆરીના રોજ ખેડાના કપડવંજ તાલુકાના આંબલીયારા ગામેથી પસાર થતી નર્મદા કેનાલ દહીયપથી ઝરમાળા દાંપટ માઈનોર કેનાલમાં છેલ્લા બે વર્ષથી ભંગાણ પડેલું હોવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. કેનાલના કૂવાના ભાગે પડેલા આ ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને આ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં નર્મદાની કેનાલો અનેક વિસ્તારમાં નખાઈ ગઈ છે પણ સમયસર તેનું સમારકામ ન થવાને કારણે અનેક વખત ખેડૂતોને ભોગવાનો વારો આવ્યો છે, આ ગંભીર સમસ્યા છતાં સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here