છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)ને દારૂ વિરુદ્ધની કાર્યવાહીમાં આજે પાવીજેતપુર વિસ્તારમાંથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. હરિયાણાથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ સિમેન્ટના ટેન્કરમાં છૂપાવીને લાવવામાં આવી રહ્યો હતો, જેને પકડી પાડવામાં LCBને સફળતા મળી છે.

ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે RJ-09-GB-4163 નંબરના ટેન્કરને અટકાવી તેની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટેન્કરની અંદર સિમેન્ટના બદલે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો.
પોલીસ દ્વારા દારૂની વિગતવાર ગણતરી, બ્રાન્ડ ચેકિંગ અને મૂલ્યાંકન ચાલી રહ્યું છે, જેની પ્રાથમિક કિંમત કરોડોમાં હોવાનું સામે આવ્યું છે.
કાર્યવાહી દરમ્યાન એક આરોપીને અટકાયત કરવામાં આવી છે. આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનું હતું તેની દિશામાં LCB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. નેટવર્કની અન્ય કડીઓ બહાર આવે તે માટે પૂછપરછ ચાલુ છે.
પાવીજેતપુર વિસ્તારમાં છોટાઉદેપુર LCBની આ સફળ કામગીરી બાદ દારૂના ખેપિયાઓમાં હલચલ મચી ગઈ છે અને પોલીસે આગળ પણ કડક પગલાં લેવાની તૈયારી કરી છે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

