GUJARAT : પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૬.૮૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ

0
33
meetarticle

કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના બરડા પંથકની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામીણ વિસ્તારોની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપ્યો હતો. મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બરડા પંથકના વિવિધ ગામોમાં માર્ગ અને પુલના નિર્માણ માટે અંદાજિત રૂ. ૬૮૦.૯૧ લાખના વિકાસકામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં પાકા રસ્તા અને કોઝવેના નિર્માણથી સ્થાનિકોની પરિવહન સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે અને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના હસ્તે અનેકવિધ કામોનું પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રૂ. ૯.૩૦ લાખના ખર્ચે મોઢવાડા-હાથયાણી રોડ પર કોઝવે, રૂ. ૧૫૩ લાખના ખર્ચે મોઢવાડાથી ડેડકીયા બીડ તરફ જતો રસ્તો તથા રૂ. ૧૨૩ લાખના ખર્ચે બેરણ-બખરલા રોડથી બખરલા તરફ જતા રસ્તા (મોઢવાડાની ગારી) ના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેગામથી ગાંગડા ધાર થઈ કુછડી ચામુંડા મંદિર તરફ જતા રસ્તાનું રૂ. ૧૩૭ લાખના ખર્ચે અને મોરાણા ગામે વર્તુ નદી પર રૂ. ૨૨૫ લાખના ખર્ચે ગેબીયન વોલ બનાવવાનું મહત્વકાંક્ષી કામ પણ હાથ ધરવામાં આવ્યું છે.

પારાવડા ગામમાં પણ જળ નિકાલ અને પરિવહનની સુવિધા સુદ્રઢ કરવા માટે રૂ. ૧૧.૨૧ લાખના ખર્ચે સુકાવો વોકળા પર કોઝવે, રૂ. ૯.૦૬ લાખના ખર્ચે રૂપાવો વોકળા પર કોઝવે તેમજ રૂ. ૧૬.૩૪ લાખના ખર્ચે છેલુંવાળુ વોકળા પર બોક્ષ કલવર્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

બરડા પંથકના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ આ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પિયુષ. સિંગરખીયા, ક્ષાર અંકુશ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અજય મકવાણા, મામલતદાર ખીમાભાઈ મારૂ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવળાભાઈ ઓડેદરા, તાલુકા વિકાસ અધિકારી એમ. ગજ, તેમજ અગ્રણી સર્વ રામદેભાઈ મોઢવાડીયા, વિરમભાઈ કારાવદરા, ભુરાભાઈ કેશવાલા, હાથિયાભાઈ ખુટી, પ્રતાપ કેશવાલા, અરસીભાઈ ખૂંટી સહિત વિવિધ ગામના સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here