જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પોરબંદર જિલ્લામાં આગામી દિવસોમાં ઉજવાવાનાં વિવિધ ઐતિહાસિક પ્રસંગોના કાર્યક્રમોની આયોજનની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભગવાન બિરસા મૂંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા થઈ હતી. આ અવસરે મહાનુભાવોના સ્મારક તથા સ્ટેચ્યુની સફાઈ, શાળા- કોલેજ કક્ષાએ નિબંધ, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન તથા સ્થાનિક પરંપરાગત રમતોનું આયોજન કરવા અંગે અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી.
તેમજ વંદે માતરમ્ @ ૧૫૦ની ઉજવણી અંતર્ગત દરેક સરકારી કચેરીઓમાં તેમજ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ નું તેના મૂળ સ્વરૂપે ગાન કરવામાં આવે અને સાથે અન્ય રાષ્ટ્રભક્તિના ગીતોનું ગાન કરવા જિલ્લા સ્તરે આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા – યુનિટી માર્ચના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા બેઠક પ્રમાણે તથા જિલ્લા કક્ષાએ મુખ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં માધવપુર અને પોરબંદર ખાતે પદયાત્રા યોજવાનું આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી. પદયાત્રા દરમિયાન માર્ગમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે
જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાભરમાં નિબંધ, ચિત્ર, વકતૃત્વ, રીલ સહિતની પ્રતિયોગિતા, સરદાર સ્મૃતિ વન બનાવવા વૃક્ષારોપણ, જળ સ્ત્રોતો ની સામુહિક સફાઈ, વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા, સરદાર સાહેબના જીવન ચરિત્ર પર આધારિત શેરી નાટકનું આયોજન, પ્રતિજ્ઞા અને યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ઐતિહાસિક પ્રસંગો રાષ્ટ્રીય સન્માન અને એકતાનાં પ્રતિકરૂપ છે અને આ પ્રસંગોની ઉજવણીનું આયોજન ભવ્ય રીતે થાય તે માટે તેમણે તમામ વિભાગોને જરૂરી સંકલન સાથે યોજાય તે માટે આયોજના ત્મક દિશા-નિર્દેશ આપ્યા હતા. સાથે જિલ્લા કલેકટર શ્રીએ આ તમામ કાર્યક્રમો માં સ્વદેશી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ થાય તેવી સૂચના આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર , પોરબંદર પ્રાંત અધિકારી સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

