સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા. ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચનાથી પોરબંદર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

આ અવસરે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા એક મહિના સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. જેમાં ટ્રાફિક જાગૃતિ સેમિનાર, માર્ગ અકસ્માત સમયે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમ, એસ.ટી., ઓટો તથા સરકારી વાહન ચાલકોના આંખ ચેકઅપ કેમ્પ, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રિફ્લેક્ટર લગાવવાની કામગીરી તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન જેવા અનેક કાર્યક્રમો યોજાશે.
આ સમગ્ર અભિયાન દરમિયાન પોરબંદરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ માર્ગ સલામતી માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસની વાહન રેલી આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઈકમાં શૂસજ્જ થયેલા પોલીસ જવાનોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી. વિવિધ સ્લોગનવાળા બેનરો દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધન
ઉદ્ઘાટન સમારોહમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ મીડિયા મારફતે જનતાને માર્ગ સલામતી માસ દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી હતી.
કલેક્ટર એસ.ડી. ધાણાણી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી ઋતુ રાબા વગેરેએ પોતાના ઉદ્બોધનમાં રોડ સેફટી બાબતે લોકજાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કારિયા, પદુભાઈ રાયચુરા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એક સ્વરે જણાવ્યું હતું કે ટ્રાફિક અને માર્ગ સલામતીના પ્રશ્નોનું નિરાકરણ પોલીસ અને જનતાના સહિયારા પ્રયાસોથી જ શક્ય બનશે. માત્ર કાયદાના ડરથી નહીં, પરંતુ પોતાની અને અન્યની સલામતી માટે ટ્રાફિક નિયમોનું દિલથી પાલન કરવું જરૂરી છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જુદી જુદી જ્ઞાતિના આગેવાનો, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલન પાણખાણીયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ટ્રાફિક પી.આઈ. એમ.એલ. આહીર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પી.આઈ. એમ.એલ. આહીર, પી.એસ.આઈ. કે.બી. ચૌહાણ, પી.એસ.આઈ. કે.એન. અઘેરા, ટ્રાફિક પોલીસ ટીમ તેમજ જેસીઆઈ પોરબંદરના પ્રમુખ પ્રતિક લાખાણી અને જેસીઆઈના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

