બાલાસિનોરથી વાયા સાવલી, વડોદરા થઇને ચાલતી આખા દિવસની એકમાત્ર એસટી બસ પણ લગભગ પાંચેક મહિનાથી મનઘડંત રીતે બંધ કરી દેવાતા વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો હેરાન થઇ ગયા છે. જેથી સત્વરે આ બસ ચાલું કરવાની માગણી ઉઠવા પામી છે.

તાલુકા મથક બાલાસિનોરનો ઘણો વેપાર-ધંધો વડોદરા સાથે જોડાયેલો છે. આ ઉપરાંત સામાજિક પ્રસંગો માટે પણ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. તેવી સ્થિતિ વચ્ચે બાલાસિનોરથી બપોરે પોણા બાર વાગ્યે ઉપડતી એસટીની જંબુસરની બસ પાંચ મહિનાથી અધિકારીઓએ મનસ્વી રીતે બંધ કરી દીધી છે. આશ્ચર્યજનક રીતે આ બસમાં પૂરતો ટ્રાફિક મળતો હોવાછતાં અચાનક બસ બંધ કરી દેવાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર-કંડક્ટરની ઘટ અને અન્ય ભલામણવાળા રૂટ પર બસ ચલાવવા માટે આ રૂટ બંધ કરી દેવાયો છે. હવે કોઇને વડોદરા તરફ જવું હોય તો વાયા આણંદનો ધક્કો ખાવાની ફરજ પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ બાલાસિનોર એસટી ડેપોની આવી ઘણી બસો વારંવાર બંધ કરી દેવામાં આવે છે. જેને ફરી ચાલું કરાવવા માટે અગાઉ મોટા આંદોલન પણ થઇ ચૂક્યા છે. ત્યારે આ બસ મામલે પણ આવું કંઇ થાય તે ૫હેલાં સત્વરે બાલાસિનોરથી વાયા સાવલી થઇને જંબુસર જતી બસ શરૂ કરવાની માંગ મુસાફરોએ કરી છે.

