બોટાદના હડદડ ગામ કાનિયાડ ચોકડી નજીકથી બોટાદના બે શખ્સોને ૧૫૦.૩૭ ગ્રાંજાના જથ્થા સાથે એસઓજીએ ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ પાળિયાદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોળિયાદ પોલીસ મથક હેઠળ આવતા હડદડથી કાનીયાડ તરફ જવાના રસ્તે જ્ઞાનમંજરી શાળાથી આગળ જીજે-૨૩-એયુ-૩૬૨૩ નંબરની રિક્ષામાં લાખા ખીમાભાઈ જોગરાણા (રહે.પોલીસ લાઈન પાછળ, બોટાદ) અને પાર્થ હરેશભાઈ પરમાર (રહે.રેલવે કોલોની, બોટાદ) પોતાની પાસે વનસ્પતિજન્ય સુકો ભેજયુક્ત ગાંજો વેચાણ માટે રાખી ઉભા હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગૃપ બોટાદે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી ઉક્ત બન્ને ઈસમોને રૂ.૭૫૧૮ની કિંમતનો ૧૫૦.૩૭૦ ગ્રામ સુકા ભેજવાળા વનસ્પતિજન્ય ગાંજા સાથે ઝડપી લીધાં હતા. બન્ને ઈસમો પાસેથી રિક્ષા મોબાઈલ સહિત કુલ રૂ.૭૨,૫૧૮નો મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

