બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવરસિંહ એલ. બારીઆએ મામલતદારશ્રીને અરજી પાઠવી છે, જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે પાકનુકશાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અરજીમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં થયેલા કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ડાંગર, કપાસ, તુવર, સોયાબીન અને મકાઇ જેવા ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે અને ઘણા ખેડૂતો પાકધિરાણ ચૂકવી શકતા નથી.
બોડેલી કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે જેમ યુપીએ સરકારે ખેડૂતોના રૂપીયા 78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે। સાથે જ 2020 થી બંધ પડેલી પાક વિમા યોજના તાત્કાલિક ફરી શરૂ કરવા અને નુકશાનના વળતર માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસ સમિતિએ વધુમાં જણાવ્યું છે કે સિયાળુ પાક માટે હાલથી જ ખાતરની અછત વર્તાઈ રહી છે, તેથી ખેડૂતોને જરૂરી સમયે પૂરતું ખાતર પૂરુ પાડવામાં આવે તે સરકાર સુનિશ્ચિત કરે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

