શહેરના પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી પાંચ શાહુડીના પરિવારે જમાવેલા કબજાને કારણે સ્થાનિક રહીશો ફફડાટ અનુભવી રહ્યા હતા. રાત્રિના સમયે સોસાયટીના માર્ગો પર બિન્ધાસ આંટાફેરા કરતી આ શાહુડીઓને પકડવા માટે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓએ આખરે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં એક શાહુડી પાંજરે પુરાતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની વિગત મુજબ, પટેલ સોસાયટીના રહીશો લાંબા સમયથી વન્યજીવની હાજરીથી પરેશાન હતા. આ અંગે જીવદયા પ્રેમી મિતુલ પટેલ, આશિષ શર્મા (કામધેનુ ગૌરક્ષા સમિતિ), યોગેશ મિસ્ત્રી અને રમેશ દવે (નેચર પ્રોટેક્શન ક્લબ) ને જાણ કરાતા તેઓએ વન વિભાગના અધિકારી એમ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધર્યું હતું. કરજીત પટેલના કમ્પાઉન્ડમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ગત રાત્રે એક શાહુડી કેદ થઈ હતી. વન વિભાગ દ્વારા આ શાહુડીને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે હજુ પણ અન્ય ચાર શાહુડીઓને પકડવા માટે ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

