ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં બે અસહાય વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. સમિતિના પ્રયાસોથી એક રાજસ્થાની યુવાનનું તેના પરિવાર સાથે અને એક અનાથ વ્યક્તિનું ઘરડાઘરમાં પુનર્વસન શક્ય બન્યું છે.

રાજસ્થાનના ઝાલોરના વતની કિશોર રાજપૂત ભરૂચમાં એક અકસ્માતમાં ઘાયલ થયા બાદ લાચાર અવસ્થામાં હતા. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોએ તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી સારવાર કરાવી. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ સમિતિએ તેમને રાજસ્થાનમાં તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું.
બીજા કિસ્સામાં, ભરૂચ રેલવે સ્ટેશન પર અનાથ અવસ્થામાં મળી આવેલા 55 વર્ષીય દિનેશ રાણાને રેલવે સુપ્રિટેન્ડન્ટ દ્વારા સેવાયજ્ઞ સમિતિને સોંપવામાં આવ્યા. સમિતિએ તેમને ઘરડાઘરમાં આશ્રય અને યોગ્ય સારવાર આપી. હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને ત્યાં જ સેવા કરવાનો સંકલ્પ કર્યો છે.
આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે સેવાયજ્ઞ સમિતિ અનાથ અને અસહાય વ્યક્તિઓને તેમના પરિવાર સાથે ફરી જોડવાનું અને જેમના કોઈ નથી તેમનું જીવનભર ધ્યાન રાખવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.

