GUJARAT : ભરૂચમાં ગંદકી કરનારા હવે ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે: પાલિકાની ‘રેડ સ્ક્વોડ’ ત્રાટકશે, ત્રીજી ભૂલ પર દુકાન સીલ અને લારી જપ્ત થશે

0
25
meetarticle

સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્વે ભરૂચ શહેરને ચકાચક બનાવવા માટે નગરપાલિકાએ હવે ‘ગાંધીગીરી’ છોડી લાલ આંખ કરી છે. શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની સુવિધા હોવા છતાં જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા તત્વોને પાઠ ભણાવવા પાલિકાએ આકરા દંડની જોગવાઈ અમલી બનાવી છે. પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના આદેશથી તમામ ૧૧ વોર્ડમાં ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે જાહેરમાં ગંદકી કરનારાઓ પર બાજ નજર રાખશે. નવો નિયમ એટલો કડક છે કે ગંદકી કરતા પ્રથમવાર પકડાનાર પાસેથી રૂા. ૧૦૦ અને બીજી વખત પકડાનાર પાસેથી રૂા. ૫૦૦નો દંડ વસૂલવામાં આવશે.


​જો કોઈ વેપારી કે લારીધારક ત્રીજી વખત ગંદકી ફેલાવતા પકડાશે, તો પાલિકા દ્વારા આકરી કાર્યવાહી કરી લારી જપ્ત કરવામાં આવશે અને જો દુકાન હશે તો તેને સીલ કરી દેવામાં આવશે. પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કચરો ફરજિયાત ડસ્ટબિનમાં જ નાખવો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. ચીફ ઓફિસર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે, અન્યથા દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે. પાલિકાના આ કડક વલણથી ગમે ત્યાં કચરો ફેંકનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here