ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પલેક્ષનો અગાસીનો આગળનો ભાગ આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે સ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, કાટમાળ નીચે પાર્ક કરાયેલી એક બાઈક દબાઈ જતાં તેને નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટનાએ શહેરમાં આવેલા જૂના અને જર્જરીત મકાનોની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક શહેરમાં જર્જરીત મકાનોનો સર્વે હાથ ધરવા અને જોખમી બાંધકામો સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અને જાનહાનિને અટકાવી શકાય.

