ભરૂચમાં મોમ્સ ઓફ ભરૂચ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને તેમના હક્કો, સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. PSI આહીરે જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓએ આત્મરક્ષામાં નિષ્ણાત બનવું અત્યંત જરૂરી છે. તેમણે જાગૃતિ અને આત્મવિશ્વાસને મહિલાઓની સૌથી મોટી શક્તિ ગણાવી.
આ કાર્યક્રમમાં જન હિતાર્થ ટ્રસ્ટના પ્રમુખ જીગીશા ગોસ્વામી અને મોમ્સ ઓફ ભરૂચના ફાઉન્ડર સેજલ કાપડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પાલિકાના સભ્ય હેમાલી રાણાએ મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આવા કાર્યક્રમોનું સતત આયોજન થવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે PSI વૈશાલી આહીરનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાગ લેનાર મહિલાઓએ આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

