ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગતરોજ સવારે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

શહેરના આ મુખ્ય માર્ગ પરના ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. તેના નિરાકરણ માટે, પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, અને અન્ય વિભાગોના અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી.
ટીમે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગ પર બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

આ કાર્યવાહીથી દબાણકારોમાં ભાગદોડ મચી ગઈ હતી. દબાણો હટાવવાની સાથે, રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ મળ્યો છે, જેનાથી શહેરની ટ્રાફિક સમસ્યામાં કાયમી સુધારો થવાની આશા છે.

