ભરૂચના નાઈટ શેલ્ટર હોમે ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરતા મહારાષ્ટ્રની એક નિરાધાર અને ગંભીર બીમાર મહિલાને નવું જીવન આપી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. થોડા દિવસો પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન પર અત્યંત દયનીય હાલતમાં મળી આવેલી આ અજાણી મહિલાને જાગૃત નાગરિકોની મદદથી શેલ્ટર હોમ લવાઈ હતી. મહિલાની નાજુક સ્થિતિ જોઈ સંચાલકોએ તુરંત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોની દેખરેખ હેઠળ સઘન સારવાર કરાવી હતી.

માત્ર સાત દિવસની રાત-દિવસની સેવા બાદ મહિલા સ્વસ્થ થતા શેલ્ટર હોમના સ્ટાફે જહેમત ઉઠાવી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. મહારાષ્ટ્રથી લેવા આવેલા પરિવારજનો પોતાની દીકરીને હેમખેમ જોઈ ભાવુક બની ગયા હતા અને સંસ્થાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેવાયજ્ઞ સમિતિ સંચાલિત આ આશ્રયસ્થાન માત્ર રહેવા-જમવાની જ નહીં પરંતુ મુશ્કેલીમાં મુકાયેલી વાર્ષિક ૨૦ થી ૨૫ મહિલાઓને આર્થિક અને તબીબી સહાય આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
