ભરૂચ જિલ્લા પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાયફલ એસોસિએશનની સપરિવાર વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.

આ મુલાકાત દરમિયાન એસ.પી. અક્ષયરાજ મકવાણાએ શૂટિંગ રેન્જનું નિરીક્ષણ કર્યું હતું અને પોતે પણ શૂટિંગ કરવાનો આનંદ માણ્યો હતો. તેમનો પરિવાર પણ આ રમત પ્રત્યે ખાસ્સો ઉત્સાહિત જોવા મળ્યો હતો, જેણે ત્યાં ઉપસ્થિત ખેલાડીઓ માટે પ્રેરણા પૂરી પાડી હતી.
આગામી ૯મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ૬૮મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપના સંદર્ભમાં, એસ.પી. સાહેબે એકેડેમીના ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલના ચેમ્પિયન શૂટર્સ સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. તેમણે ખેલાડીઓની સખત મહેનતને બિરદાવી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે એકેડેમીના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણા, સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. એસ.પી.ની આ મુલાકાતથી એકેડેમીના તમામ ખેલાડીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

