મહીસાગર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, મહીસાગર દ્વારા જીવનપર્યંત શિક્ષણની અવિરત સેવા બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકોના સન્માન અને સેવા નિવૃત્તિ સમારોહનું આયોજન જિલ્લા પંચાયત હૉલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિષયક તમામ લાભો એક જ સ્થળે આપી તેમની ઉત્કૃષ્ટ સેવાઓને સન્માનિત કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન અમૂલ્ય છે, અને આ કાર્યક્રમ તેમને આદરપૂર્વક વિદાય આપવાનો એક અવસર હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઇ પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “મહીસાગર જિલ્લામાં ફરજ નિવૃત્તિના સમયે જ કર્મચારીને બધા જ લાભો આપી દેવાની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ હું સમગ્ર વહીવટી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરું છું તથા આ કામગીરીની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાય તેવી પણ આશા રાખું છું.”
આ પ્રસંગે હાજર રહેલા જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે કહ્યું કે, “શિક્ષક એ સામાન્ય વ્યક્તિ નથી હોતા. તેઓ બાળકોનું ઘડતર કરી તેમને મોભાદાર સ્થાન અપાવનાર સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે. અને જે કાર્યની ફરિયાદો જિલ્લામાં ઘણા સમયથી આવતી હતી, તે કાર્ય આજે આપણે પૂર્ણ કર્યું છે, તે બદલ સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું.”
આ પ્રસંગે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મંચસ્થ મહાનુભાવો તથા ઉપસ્થિત શિક્ષકગણનું શાબ્દિક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ, શિક્ષણ સમિતિના જિલ્લાના હોદ્દેદારો અને નિવૃત્ત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. મહીસાગર

