મહેસાણાથી ઇકો કારમાં ઈંગ્લીશ દારૂ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે, અને ઇકો કાર કબ્જે કરી છે. જેને દારૂ સપ્લાય કરનાર મહેસાણાના એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે એલસીબીની ટિમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના ઝાખર ગામના વિક્રમસિંહ ગૌતમસિંહ સોલંકી તેમજ અર્જુનસિંહ મનુભા જાડેજા, કે જેઓ મહેસાણાથી એક ઇકો કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈને જામનગર તરફ આવી રહ્યા છે.
જે બાતમીના આધારે ખીજડીયા બાયપાસ ટુકડી પાસે એલસીબીની ટીમે પરોઢિયે વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક ઇકો કાર જામનગર તરફ આવતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારની અંદરથી 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, અને તેની અંદર વિક્રમસિંહ સોલંકી અને અર્જુનસિંહ જાડેજા પણ મળી આવ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી કાર અને ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા 6,21,000 ની માલમતા કબજે કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેઓ મહેસાણાથી ઇંગ્લિશ દારૂ લાવ્યા હોવાની અને મહેસાણા જિલ્લાના કટોસણ ગામના ઉપેન્દ્રસિંહ ઝાલાએ આ દારૂ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી તપાસનો દોર મહેસાણા સુધી લંબાવ્યો છે.

