મહેસાણાના આંબલીયાસણ વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં છેલ્લા 15 દિવસથી ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવાતા સ્થાનિકો અને પશુઓ માટે આ ખાડાઓ મોતના ખાડા સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં જ 15 ફૂટ ઊંડા ગટરના ખાડામાં એક આખલો ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી.

આંબલીયાસણ વિસ્તારમાં પાઇપ લાઇન નાખવા માટે મોટા મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે ખોદકામ કર્યા બાદ ઘણા દિવસોથી કામ આગળ વધારવામાં આવ્યું નથી કે નથી ત્યાં કોઈ સુરક્ષા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા. આ ખુલ્લા ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા જ એક મહિલા પણ આ ગટર લાઇનના ખાડામાં પડી ગયા હોવાની ઘટના બની હતી, તેમ છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
ગટર લાઇનના આ ખોદકામથી માત્ર પશુઓ જ નહીં, પણ રિક્ષા, કાર, બાઇક ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ઠેર ઠેર માટીના ઢગલા અને ખુલ્લા ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે અંધારામાં આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થઈ શકે છે.
આંબલીયાસણના સ્થાનિકો હવે તંત્રની આ ઢીલી નીતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એવી માંગ ઉઠી રહી છે કે કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલા આ ગટર લાઇનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને ખાડાઓ પુરી દેવામાં આવે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ હવે જનતા પૂછી રહી છે.

