મહેસાણા એ.સી.બી. (ACB) ની ટીમે સફળ છટકું ગોઠવી BND એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલને રૂ. 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ જેવી સામાન્ય કામગીરીમાં લાંચ માંગવી આરોપીને ભારે પડી છે.

વિગત મુજબ, ફરિયાદીએ પોતાની લોડિંગ રિક્ષાના રી-પાર્સિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઇન અરજી કરી હતી. આ કામગીરી માટે આરોપી અમિતકુમારે કાયદેસરની ફી સિવાય વધારાના રૂ. 500ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. પી.આઈ. એસ.ડી. ચાવડા અને તેમની ટીમે ગતરોજ મહેસાણાના સેન્ધણી પાર્લર પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું, જ્યાં આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 500 સ્વીકારતા જ એ.સી.બી.ના સકંજામાં આવી ગયો હતો. એ.સી.બી.એ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

