માણાવદર અનસુયા ગૌધામ દ્વારા શહેરમાં રખડતી લુલી- લંગડી- અપંગ ગાયોની પણ સેવા કરવામાં આવી રહી છે. તેમજ દરરોજ નિરાધાર લોકોને 150 થી 200 ટિફિન જમાડવામાં આવી રહ્યા છે. માણાવદર અનસુયા ગૌ ધામમાં એક પણ રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી. શેઠ પરિવાર પોતાની કમાણી માંથી ગૌશાળા ચલાવી રહ્યા છે. બાળકોમાં પશુ પ્રત્યે સ્નેહ અને સેવાની લાગણી ઉભરાય અને માનવ જીવનમાં પશુઓની કેટલી ઉપયોગીતા છે તે સમજાવવા માટે માણાવદર બાલકૃષ્ણ સ્કૂલ તરફથી સ્થાનિક એક પ્રવાસરૂપે આ શાળામાં અભ્યાસ કરતા ૩૦૦થી વધારે બાળકોને માણાવદરના વિશ્વવિખ્યાત એવા અનસુયા ગૌધામ સંચાલિત ગીરગાય સંવર્ધન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા તથા અનસુયા અન્નક્ષેત્રમાં ચાલતા રસોડાઓમાં લઈ જઈ બાળકોને અન્નદાન વિષય અંતર્ગત માહિતગાર કરાયા હતા.

બાળકોએ અનસુયા ગૌધામમાં સંવર્ધિત થઈ રહેલી ગીર નસલની અસલ દેશી ગાયો અને નાના – નાના વાછરડાઓ સાથે આત્મીય ભાવ સાથે સહેજ બાળવૃતથી રમતો રમી હતી. બાળકોને ગીર ગાયો વિશેની સંપૂર્ણ માહિતી હિતેનભાઈ શેઠ તથા હરેશભાઈ શેઠ દ્વારા આપવામાં આવી હતી. વિશેષ તો આ ગૌધામમાં સંવર્ધિત થઈ રહેલી નાનકડી એવી દક્ષિણની પુંગનૂર ગાયો સાથે બાળકોએ મજા મસ્તી કરી હતી. હિતેનભાઈ શેઠે પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન બાબતે બાળકોને માહિતી આપી હતી. બાળકોએ ગૌધામમાં રાખેલા વિવિધ પક્ષીઓની પણ જાણકારી મેળવી હતી
અહેવાલ : જીજ્ઞેશ પટેલ માણાવદર

