ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા મથકમાં આવેલી કોર્ટની અત્યંત જર્જરિત જૂની ઇમારત મોટી દુર્ઘટનાને નોતરી રહી છે. બે વર્ષથી સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં આ જોખમી ઇમારતને ઉતારી લેવાની તંત્રએ કોઈ તસદી લીધી નથી, જેના કારણે નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી કોર્ટ બિલ્ડિંગની દીવાલો અને છતમાંથી સતત પ્લાસ્ટર ધસી પડવાની ઘટનાઓ બની રહી છે, જે કોઈ પણ સમયે મોટી હોનારત સર્જી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે આ જર્જરિત ઇમારતની બાજુમાં જ એક મિશ્ર શાળા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં ભૂલકાઓ અભ્યાસ કરે છે. જો ઇમારતનો કોઈ ભાગ અચાનક ધરાશાયી થાય, તો મોટી જાનહાનિ થવાનો ગંભીર ભય તોળાઈ રહ્યો છે. આ ઉપરાંત, તિલક મેદાન નજીકની રંગોત્સવ બિલ્ડિંગ સહિત ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ આવી જર્જરિત બિલ્ડિંગો અકસ્માતને આમંત્રણ આપી રહી છે.

છેલ્લા દોઢથી બે વર્ષથી સ્થાનિક નાગરિકો, શાળાના આચાર્યોએ નગરપાલિકા, મામલતદાર કચેરી અને શિક્ષણ વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક આ જોખમી ઇમારતોને ઉતારી લેવા અથવા સુરક્ષિત બનાવવા સત્વરે પગલાં લેવાની માંગ કરી છે, અન્યથા ભવિષ્યમાં થનારી કોઈ પણ દુર્ઘટનાની જવાબદારી કોની રહેશે, તેવો સવાલ નાગરિકોમાં ઉઠી રહ્યો છે.
