GUJARAT : રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે

0
20
meetarticle

છેલ્લા બે વર્ષથી ગુજરાત કેરોસીનમુક્ત બન્યું હતું. રાંધણગેસનો વધુ વપરાશ થતાં કેરોસીનને વિદાય અપાઈ હતી. આ મુદ્દો ભાજપની ચૂંટણીનો મુદ્દો બની રહ્યો હતો. કેમકે, ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ સિલિન્ડર અપાયા હતા. હવે ઘડિયાળના કાંટા ઊંધા ફરતા હોય તેમ લાગી રહ્યું છે. ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે યુદ્ધ વધુ વકરી રહ્યું છે ત્યારે એલપીજી ગેસના સંકટ વચ્ચે ફરીવાર ગુજરાતમાં પ્રાયમસ-ફાનસ સળગશે. રાજ્ય સરકારે પરિવારદીઠ 5 લિટર કેરોસીન આપવા નક્કી કર્યું છે. આ પરિસ્થિતિ જોતાં જૂના જમાનાની યાદ તાજી થઈ છે.

ફરી એકવાર ગુજરાતમાં કેરોસીનની વાપસી થઈ છે. એલપીજીના સંકટ ઘેરા બને તેવી સંભાવના છે ત્યારે વૈકલ્પિક ઈંધણના ભાગરૂપે કેન્દ્ર સરકારે ફરી કેરોસીન આપવા નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 1452 કિલોલિટર કેરોસીન ફાળવ્યું છે. અમદાવાદ સહિત બધાય જિલ્લાઓમાં 36 કિલોલિટર કેરોસીનની ફાળવણી છે. આ કેરોસીનનું વિતરણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં કરાયું છે. પરિવાર દીઠ 5 લિટર જ્યારે સંસ્થાઓને 25 લિટર કેરોસીન આપવા નક્કી કરાયું છે તેમાંય મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા અપાશે. માત્ર રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે આ કેરોસીનનો ઉપયોગ કરી શકાશે.

આ ઉપરાંત દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પર કેરોસીન મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનના ભાવમાં વધારો કરાયો છે. કાર્ડધારકોને પ્રતિ લિટર કેરોસીન રૂ. 61.40થી માંડીને રૂ. 66.14ના ભાવે મળી રહેશે. ચૂંટણી વખતે મહિલાઓને ધુમાડાથી રાહત મળશે તેવી ડિંગો હાંકીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપીને મતદારોને રિઝવવામાં ભાજપે કોઈ કસર છોડી ન હતી.

હવે ફરી કેરોસીન જ ગરીબ કાર્ડધારકોનો સહારો બની રહેશે. ભાજપ સરકાર અને સંગઠન હવે આ વાત મતદારોના માનસપટ પરથી ભૂલવવા અથાગ મહેનત કરશે.

કેરોસીનની વાપસી થઈ છે જેના પગલે ગ્રામિણ વિસ્તારોમાં લોકોએ ફરી પ્રાયમસ, ફાનસ પાછળ ખર્ચ કરવો પડશે. અગાઉ કેરોસીનને વિદાય અપાતાં લોકોએ ગેસ સિલિન્ડર-સગડી પાછળ ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત લોકોને મોંઘા ભાવે એટલે કે બમણા ભાવે કેરોસીન ખરીદવું પડશે. વર્ષ 2020માં કોરોનાકાળમાં કેરોસીન રૂ. 14-15 લિટરના ભાવે મળતું હતું ત્યારબાદ 2021માં તેનો ભાવ વધીને રૂ. 30 સુધી પહોંચ્યો હતો. હવે લોકોને રૂ. 66 લિટર કેરોસીન ખરીદવું પડશે.

કેન્દ્ર સરકારે ગુજરાતમાં તા. 1 જાન્યુઆરી, 2023થી કેરોસીન આપવાનું બંધ કર્યું હતું. કેન્દ્રએ વર્ષ 2006-07માં ગુજરાતને કેન્દ્ર તરફથી 95,72,18,000 લિટર ક્વોટા મળતો હતો. ધીરે ધીરે કેરોસીનના ક્વોટામાં ઘટાડો થયો હતો. વર્ષ 2014-15માં 67.08 કરોડ લિટર કેરોસીન મળ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાનું શરૂ થયું ત્યારે ગુજરાતને 2016-17માં 49.30 કરોડ લિટર કેરોસીન ફાળવાયું હતું. છેલ્લે 2022-23માં ગુજરાતને માત્ર 2.51 કરોડ લિટર કેરોસીન અપાયું હતું. તે વખતે રાજ્ય સરકારે એવો દાવો કર્યો હતો કે, 2021-22થી માંડી 2023-24માં કુલ 13.64 લાખ ઉજ્જવલા ગેસ કનેક્શનો અપાયા હતા અને ગુજરાત હવે કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here