મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગના કેસની તપાસ દરમિયાન ગેરકાયદે હથિયારોનું મોટું નેટવર્ક ખુલે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં એસઓજી ફાયરિંગ કરનાર મુરગા અને પેંડા ગેંગના સભ્યો પાસેથી કુલ ૮ ગેરકાયદે હથિયારો અને અનેક કાર્ટીસો કબજે કરી ચુકી છે. મુરગા ગેંગનો સંજય ઉર્ફે સંજલો ઝડપાયા પછી ગેરકાયદે હથિયારોના નેટવર્ક અંગે ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

એસઓજીએ મુરગા ગેંગના ઈશરાકઅલી ઉર્ફે પુતન, સલમાન અને મોહસીન ઉર્ફે ભેંસને ઝડપી લીધા હતા. જેમાંથી મોહસીન પાસેથી સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ કબજે કરી હતી. આ ઉપરાંત પેંડા ગેંગના નિતીનદાન પાલીયાને પણ ઝડપી લીધો હતો. આ ચારેય આરોપીઓ ઉપરાંત અગાઉ ઝડપાયેલા શાહનવાઝને સાથે રાખી એસઓજીએ ઘટનાસ્થળે આજે રિકન્સ્ટ્રકશન પંચનામું કર્યું હતું. આ વખતે દોરડાથી બંધાયેલા પાંચેય આરોપીઓએ લોકોની માફી માંગી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં એસઓજી ચાર વખત બંને ગેંગના સભ્યોને રિકન્સ્ટ્રકશન પંચનામા માટે ઘટનાસ્થળે લઈ ગઈ છે. બંને ગેંગના અત્યાર સુધી ર૮ સભ્યો ઝડપાયા છે. હજૂ પણ બંને ગેંગના ડઝનથી વધુ સભ્યો વોન્ટેડ છે.
આ કેસની તપાસને પોલીસ ‘લેન્ડમાર્ક’ ગણાવી રહી છે. ગુનામાં સંડોવાયેલા બંને ગેંગનો એક પણ સભ્ય બાકી ન રહી જાય તેની એસઓજી તકેદારી રાખી રહી છે. આજ કારણ છે કે અત્યાર સુધીમાં આ કેસમાં ર૮ આરોપીઓ ઝડપાયા છે. બાકીના વોન્ટેડ આરોપીઓની એસઓજી અને ક્રાઈમ બ્રાંચે શોધખોળ જારી રાખી છે.

