GUJARAT : રાજકોટમાં તબીબનો અંગત વીડિયો મેળવી રૂા. 1 કરોડ પડાવવાનો કારસો

0
22
meetarticle

 શહેરના હનુમાન મઢી ચોકથી નિર્મલા કોન્વેન્ટ રોડ તરફ જવાના રસ્તે  ક્લિનિક ધરાવતા તબીબનો મહિલા મિત્ર સાથેની અંગત પળોનો વીડિયો મેળવી લઇ તેના આધારે તેને બ્લેકમેઇલ કરી રૂા.1 કરોડ વસૂલવાની યોજના બનાવી  હતી. એક ડોક્ટર અને કહેવાતા પત્રકારો સહિતની ટોળકી દ્વારા છેલ્લા ઘણા સમયથી તબીબ પાસે પૈસાની માગણી કરાતી હતી. આખરે તબીબે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરતાં આજે તબીબ અને કહેવાતા પત્રકારો સહિત બાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદી તબીબનું બીજું ક્લિનિક સાધુ વાસવાણી રોડ પર આવેલું છે, જ્યાં કોલ આવતા અવાર-નવાર વિઝિટમાં જતા હતા. તે વખતે આ ક્લિનિકમાં મહિલા સાથે અંગત પળો માણતા હોય તેવો વીડિયો ઉતરી ગયો હતો. આ વીડિયો નજીકમાં જ ક્લિનિક ધરાવતાં બીએમએસ ડોકટર કમલ નાંઢાએ ગોઠવેલા હિડન કેમેરામાં કેદ થઈ ગયો હતો. 

ડો.નાંઢાએ આ કેમેરો ઓનલાઈન મંગાવી કોઈપણ રીતે ક્લિનિકના ઈન્જેકશન વિભાગમાં ચોરી-છૂપીથી 2023ની સાલમાં ગોઠવી દીધો હતો, જેમાં અત્યાર સુધીમાં ત્રણેક હજાર વીડિયો કેદ થયા હતા. તેમાં ફરિયાદી તબીબના મહિલા મિત્ર સાથેના અંગત પળોના વીડિયોનો પણ સમાવેશ થાય છે. 

આ વીડિયો મળી જતાં  ડો.કમલ નાંઢાની  દાઢ સળકી હતી. તેણે આ વીડિયો કેટલાક કહેવાતા પત્રકારોને મોકલ્યો હતો. તે સાથે જ તબીબને બ્લેકમેઇલીંગ કરવાનું 2024થી શરૂ કરાયું હતું. ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાની તપાસમાં ખુલ્યા પ્રમાણે શરૂઆતમાં ડો.નાંઢા સહિત ચારેક શખ્સો સામેલ હતા. જેમણે રૂા. 1 કરોડ પડાવવાની યોજના બનાવી હતી. આખરે રૂા. 25 લાખની માગણી કરી હતી. ધીરે-ધીરે તેમાં અન્ય કહેવાતા પત્રકારો પણ ઉમેરાતા ગયા હતા.

આ તમામ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી તબીબને ફોન પર અને રૂબરૂ બોલાવી પૈસાની માગણી કરતા હતા. અન્યથા તેનો વીડિયો સોશિયલ મીડિયા અને જુદા-જુદા ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપતા હતા.

આખરે કંટાળી ગયેલા તબીબે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરતા આજે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. જે મુજબ ડો.નાંઢાએ વીડિયો બીજા આરોપી હિરેન ભીખુભાઇ મકવાણા, અજય ચુડાસમા અને હાર્દિક ડોડીયાને મોકલી આપ્યો હતો. ત્યાર પછી અન્ય આરોપીઓ પણ જોડાયા હતા. જેમાંથી આરોપી જતીન નથવાણી અને જગદીશ તેરૈયાએ તબીબ પાસેથી રૂા.૫૦ હજારની ખંડણી માંગી તે રકમ બળજબરીથી જતીને કઢાવી પણ લઇ લીધી હતી. બાકીનાં રૂપિયા બે દિવસમાં આપી દેવા અન્યથા જીવવા નહીં દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

તબીબ સહિત આ આરોપીઓ બ્લેકમેઇલ કરતા હતા

ભોગ બનનાર તબીબની ફરિયાદના આધારે ડો.કમલ નાંઢા, હિરેન ભીખુભાઇ મકવાણા (સત્યની ગર્જના ન્યુઝ), અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નિતિનભાઇ ડોડીયા, જગદીશ તેરૈયા (રાજકોટ હેડલાઇન્સ), જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી (ભારત ટાઈમ્સ), તેની પત્ની સ્વાતિ નથવાણી, અમીત ઠક્કર (ભારત હેડલાઇન્સ), ભરત (બી-વન ન્યુઝ) અને બે મોબાઇલધારકો સામે બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીઓનાં બેનર રજિસ્ટર્ડ છે કે નહીં, તે અંગે પણ ક્રાઈમ બ્રાંચે તપાસની જાહેરાત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here